“ચંદ્રની ધરતી પર “વિક્રમનું” ચરણ”
- NITIN MEHTA
- Nov 21, 2023
- 2 min read
ભારતના ઇતિહાસમાં જે કંઈ સિદ્ધિઓની નોંધ લેવાઈ છે, તેમાં એક નવા પારદર્શક પ્રકરણનો ઉમેરો થયો છે. તારીખ ૨૩ ઓગસ્ટ ૨૦૨૩નો એ દિવસ શ્વેત પાનાં પર સુવર્ણ અક્ષરે અંકિત થયો છે. તેનું મૂલ્ય આવનારી પેઢી માટે તો અદ્વિતીય છે, પણ પ્રત્યેક હયાત ભારતીય નાગરિકોના હૃદયમાં ગૌરવની લાગણી નિર્માણ કરવામાં નિમિત્ત બની રહ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અનેક કીર્તિમાન ઉપલબ્ધીઓ માં એક પીંછાનો વધારો થયો છે જે, સૌ માનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
જગત આખ્ખું આમ તો ભારતની પ્રગતિથી પરિચિત છે. વિવિધ ક્ષેત્રે કાર્યરત રહી કુશળ વિદ્વાનોએ અથાક મહેનતને અંતે સિધ્ધિના શિખરે પહોંચી દેશને ગૌરવ અપાવ્યું છે. “વિક્રમ” ને ચંદ્રની ધરતી પર ઉતારી અન્ય દેશોના વૈજ્ઞાનિકોને, એ સાબિત કરી બતાવ્યું, કે ભારતીય વૈજ્ઞાનિકો પણ જરા ય પાછળ નથી.
શૈશવ કાળમાં સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો, ઉપગ્રહ વિશે વાંચ્યું હતું અને સાંભળ્યું હતું, તે સમયે કુતૂહલ રહેતું. પૃથ્વીથી જોજનો દૂર આ બધું માત્ર આંખથી જોતાં, પણ તેને પામવાનું તો સાવ અશક્ય હતું. દાદીમાએ એક વાર્તા કહી હતી કે એક બાળક ચાંદાને જોઈ તેને હાથમાં લેવાની જીદ કરે છે, ત્યારે તેની માતા તે બાળકના હાથમાં દર્પણ મૂકી ચાંદાનું પ્રતિબિંબ દેખાડે છે અને ચાંદો જાણે તેના હાથમાં આવી ગયો હોય, એમ એ બાળક ખુશ થાય છે.
જુની ફિલ્મના ગીતની એક પંક્તિ છે,” દિલ મેરા એક આસકા પંછી ઉડતા હૈ ઉંચે ગગન,પર પહોંચેગા એક દિન કભી તો ચાંદકી ઉજલી જમી પર.” આ તો એક માત્ર કલ્પના હતી, ત્યારે કોને ખબર હતી, કે આટલા વર્ષો પછી આ કલ્પના હકિકતમાં પરિવર્તિત થશે. હિલેરીએ તો હિમાલયની ટોચે તિરંગો લહેરાવ્યો હતો, આ ટોચ અને આકાશ વચ્ચેનું અંતર ભારતીય વૈજ્ઞાનિકોએ સર કરી, તીરંગો ચંદ્રની ભૂમિ પર લહેરાવ્યો, તેની સગર્વ નોંધ લેવી ઘટે.
એક ગરબાની જાણીતી પંક્તિ છે, “ચાંદો ઊગ્યો ચોકમાં”, પણ હવે ચોક ચાંદાની ધરતી પર હશે, તો નવાઈ નહીં લાગે. કવિ દયારામે લખ્યું, “હવે સખી નહીં બોલું નંદ કુંવરની સાથે, કારણ તેણે મને શશિવદની કહી છે.” પોતાના સુંદર ચહેરાને ચંદ્ર સાથે સરખાવ્યો, પરંતુ ચંદ્રમામાં કાળો ડાઘ છે. હવે આ કાળો ડાઘ શું છે, તે તો આવનારો સમય જ કહેશે.
આમ ચંદ્ર પર જો સગવડતા હશે, તો ત્યાં પ્રથમ કોણ જશે? આ પ્રશ્નનો જવાબ શાયર જલન માતરીના એક શેરમાં મળે છે,
“ચાલો એ રીતે તો ઓછો થશે આ ભાર પૃથ્વીનો
સૂણ્યું છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે.”
Comments