માનવજાતના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ એટલે “માં”
- NITIN MEHTA
- May 16, 2023
- 2 min read

આ વિશાળ પૃથ્વી પર જ્યારથી સંસારની શરૂઆત થઈ, ત્યારથી પ્રેમ નામનો અદ્રશ્ય પદાર્થ અસ્તિત્વમાં આવ્યો. લાગણી, સ્નેહ, પ્રણય, મમતા જેવા અનેક પર્યાયો ધરાવતો આ શબ્દ સદીએ સદીએ વિવિધ રીતે ઉઘડતો રહ્યો. પ્રકૃતિના તત્ત્વો તરફ પરિવર્તિત થતી દ્રષ્ટિમાં પૃથક્કરણની પરિભાષાનો ઉદભવ થયો. પહાડો, જંગલો, સમુદ્રો, નદીઓ, ઝરણાં, તેજ તિમિરની ઘટના જે આ સૃષ્ટિને મળેલી અદભુત સોગાત છે, પરિણામે પ્રાણીમાત્રના હૃદયમાં પ્રેમ કરૂણા શ્રદ્ધાનો સંચાર થયો.
પશુ પંખીઓ પણ માનો અવતાર પામ્યા. માતૃત્ત્વનો અર્થ તેમને અભિપ્રેત હતો, પણ અભિવ્યક્તિ મૌન દ્વારા હતી. પોતાના બચ્ચા પ્રત્યે અનહદ અનુગ્રહ હતો. મનુષ્ય જ એક એવું પ્રાણી જેણે વાણી દ્વારા “માં” અક્ષરને આત્મસાત કર્યો. ભગવાને જ્યારે પ્રેમ રૂપી તત્વનું નિર્માણ કર્યું હશે, ત્યારે સૌ પ્રથમ “માં” નું સર્જન કર્યું હશે. “માં” આ એક અક્ષર શાશ્વત છે. તેની અંદર છે અનુરાગ, સમર્પણ,ભાવના, અમી દ્રષ્ટિ, નિર્મળ સ્નેહ, ઉષ્મા, નિઃસ્વાર્થ હેતનો ભંડાર અને એક નિર્મમ અહેસાસ એટલે “માં”.
જે ઘરમાં માં હોય છે, ત્યાં બધુ જ વ્યવસ્થિત હોય છે. દક્ષિણ ભારતના એક કવિએ કહ્યું છે, કે “જે રાહ જુએ છે તે માં હોય છે.” હા માંની આંખમાં હંમેશા સંતાનની પ્રગતિની પ્રતીક્ષા હોય છે. એક પછી એક સફળતાના સોપાન સર કરતું સંતાન માંના હૈયાને છલોછલ આનંદથી ભરી દે છે. માંને થએલ આ તૃપ્તિની તુલના કરવી અશક્ય છે. અઢળક અરમાનો અને આશાઓ રાખતી હોય છે માં સંતાનો તરફથી, પછી તે પુત્ર હોય કે પુત્રી. કહેવાયું છે કે “માં શબ્દનો અર્થ કોઈ શબ્દકોશમાં નહી જડે તેને માટે તો જીવનકોષ જોવા જોઈએ.”
કોણ કહે છે કે બાળપણ પાછું નથી મળતું, ક્યારેક “માં”ના ખોળામાં માથું મૂકી સૂઈ જુઓ. મહાભારતમાં એક પ્રસંગ છે. થાકેલા યુધિષ્ઠિરે જ્યારે કુંતીના ખોળામાં માથું મૂક્યું, ત્યારે જ તેમના મુખમાંથી શબ્દો સારી પડ્યા, “સ્વર્ગ એ તો અહીં જ છે અહીં જ છે’ કવિ “મેહુલ’ આ જ વાતને પોતાના મુક્તકમાં કહે છે
“ જે મસ્તી હોય આંખોમાં, સુરાલયમાં નથી હોતી,
અમીરી કોઈપણ અંતરની મહાલયમાં નથી હોતી,
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે,
જે માંની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી’.
“માં”નું અંતર તો અમૃત સભર છે. કવિ વેણીભાઈ પુરોહિતે લખ્યું છે, ‘દેવોએ દીધેલું અમૃત તો દુનિયાએ ક્યાં પીધું, માતાની મમતાનું અમૃત સૌએ ચાખી લીધું. આશીર્વાદ જનેતાના કદી નથી કરમાતા.” “માં”ના લાલન પાલનમાં બધા શાતા અનુભવે છે. એક અનોખી ઉષ્માનો અદભુત આવિષ્કાર એટલે “માં”નું હૈયું.
“માં”ના મૌનમાં સંતાનો માટે તેમના હિતનો રણકો છે, તો વાણીમાં વિકાસનું માર્ગદર્શન ને વૈભવનો વિશ્વાસ સંભળાય છે. માતા એ બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારની ગુરુ છે. સુખમાં હર્ષના આંસુ સારે છે તો દુખમાં “ખમ્મા’ શબ્દ ગહન હૃદયમાંથી પ્રગટે છે. “ખમ્મા ‘મા પરમ પ્રેમનો નિચોડ છે. વિપત્તિમાં પણ ઉછેરીને મોટા કર્યા તે સંતાનોની માંનું ઋણ ચૂકવવાની નૈતિક ફરજ બની રહે છે. સ્વામી સચ્ચિદાનંદે સાચું જ કહ્યું છે, કે “મા બાળકને ચાહે તે તેની પ્રકૃતિ છે; પણ બાળક માને ચાહે તે સંસ્કૃતિ છે’ ત્યારે જ માતૃદેવોભવનો મહિમા સાર્થક થશે.
ખલીલ જીબ્રાનનું વિધાન આ સંદર્ભમાં નોંધવું આવશ્યક છે,’ The most Beautiful word on the lips of men kind is MOTHER.”
Comments