વાંસળી
- NITIN MEHTA
- Apr 24, 2021
- 1 min read
Updated: May 3, 2021

વાંસળીની વેદના શું જાણે કોઈ,
એના મંજુલ સૂરમાં, તનમન ડોલે
નીજમાં કેદ કરી પીડા, અપાર
ભેદ એનો કદી ના, ખોલે
એના મંજુલ સૂરમાં, તનમન ડોલે
આમ તો એક વાંસનો ટુકડો હતી
અંગે અંગે એ છોલાઈ, તૂટી
છાતીના છેદમાં છૂપાએલ ચીસ
થઈ સૂરના સ્વરુપે, વિખૂટી
મૌનનો મલાજો જાળવીને કાયમ,
મધુર મધુર બસ, બોલે
એના મંજુલ સૂરમાં, તનમન ડોલે
અંગુલિ સ્પર્શે એનું બદલાયું ભાગ્ય,
કે સ્થાન પામી એ કોમળ, અધર પર
સાત સત સ્વર એના અંતરથી વહે
અભિસારના ઉદભવતા, અવસર
દવ ભૂલીને એણે ભવ, ઉજાળ્યો
ના આવે કોઈ આ, બંસીની તોલે
એના મંજુલ સૂરમાં, તનમન ડોલે
નીતિન વિ મહેતા
Comments