ઝાકળની લિપિ
- NITIN MEHTA
- Apr 23, 2021
- 1 min read
Updated: May 4, 2021

કોઈ મને વાંચે ને સમજે તો, ઝાકળની લિપિ થઈ પથરાઉ ઘાસમાં.
ઊડતાં પંખીનું એક પીંછું લઈ ટેરવે, ચીતરાતો જાઉં ખુલ્લા આકાશમાં.
કાગળમાં લખ્યા અક્ષર સૌ વાંચે
ને ચિતરેલા વાદળ પણ પીએ,
લોચને લખ્યું ઉકેલે તો માનું
એ, કેટલા અશ્રુ જલ ઝીલે.
આમ ભલે લાગતો હું અઘરો છતાં ય, સાવ સહેલો છું, સરળ સહવાસમાં.
ઝાકળની લિપિ થઈ પથરાઉ ઘાસમાં.
મનના દર્પણમાં ઊગે પ્રતિબિંબ
એ સ્મિત થઈ હોઠ પર ફરકે,
વહેંચી દઉં ખુશીની એક એક પળ
મારા ઊભરતા, ઉરના ઉમળકે.
ફોરમ છું, ફેલાઈશ ચારે દિશામાં, શોધો તો જડીશ હું, ફૂલોના શ્વાસમાં.
ઝાકળની લિપિ થઈ પથરાઉ ઘાસમાં.
નીતિન વિ મહેતા
Comments