નિગૂઢ પ્રેમ
- NITIN MEHTA
- Apr 24, 2021
- 1 min read
ઓતપ્રોત થઈ એકબીજામાં, સખી
પામીએ નિગૂઢ પ્રેમ ચાલ.
ઉરે ઊઠે જે તરંગો અનેક એને
નયનોથી કરીએ નિહાલ.
પામીએ નિગૂઢ પ્રેમ ચાલ.
વહેતા રહે શીત ઝરણા લગોલગ
હોય ના વચ્ચે ભેદ ભરમની ભીંત,
સુંવાળી સ્પર્ધામાં મળે ઉભયને
એક સરખી જ, હાર કે જીત
આપણે જ આપણા પર સંગાથે રહી,
પામીએ નિગૂઢ પ્રેમ ચાલ.
પામીએ નિગૂઢ પ્રેમ ચાલ.
શમણે મળીએ કે મળીએ ઉજાગરે
ઉત્કટ લાગણીની કરીએ લ્હાણી,
જોજનો દૂર કે નિકટ સ્પર્શે
મૌનની ઉકેલીએ વાણી.
પ્રાણમાં પરિમલનું શાશ્વત વ્હેણ,
મન હર્યું ભર્યું ને, હૈયું વિશાલ.
પામીએ નિગૂઢ પ્રેમ ચાલ.
નીતિન વિ મહેતા.
Comments