સાગરનું સૌંદર્ય
- NITIN MEHTA
- May 21, 2022
- 2 min read

બાળપણથી જ મને પ્રકૃત્તિના અનેક સ્વરૂપો પ્રતિ પરમ પ્રીતિ રહેલી છે. તેમાં ય દરિયા સાથે અઢળક અનુગ્રહ છે. ભરતી હોય કે ઓટ, સમુદ્ર મને હંમેશા રગે રગે રોમાંચિત કરે છે. શાળામાં હતો ત્યારે પાઠય પુસ્તકમાં કવિ ત્રિભુવન વ્યાસની કવિતા ‘મહાસાગર’ અભ્યાસ ક્રમમા હતી, જેમાં દરિયાની આગવી ઓળખ છે. વર્ગમાં અમે સમુહમાં આ કાવ્યનું લયબધ્ધ પઠન કરતાં, જેનો મંજૂલ સ્વર હજી આજે ય કાનમાં ગૂંજે છે. ખારાં ખારાં ઉસ જેવા આછાં આછાં તેલ, પોણી દુનિયા ઉપર એના પાણી રેલં છેલ.’ જગતના પોણા ભાગમાં જેના પાણી પ્રસારેલા છે, એ સાગર, રત્નાકર સમંદર, જલધિ જેવા અનેક નામો ધરાવતો દરિયો આખરે કુદરતનો અદભુત કરિશ્મા છે.
કિનારાની રેતીમાં ભીનાશ પોતાનું સામ્રાજ્ય જમાવી દે છે,તો કોરી રેતીમાં લખેલા મનગમતા નામને ખારાં પાણી ભૂંસી નાખે છે. તે નામને નષ્ટ કરે છે, પણ સંબંધને નહી. નામ વિનાના સંબંધો પણ શાશ્વત છે. કાળમીંઢ પથ્થરોને મોજાંનો માર પડે છે, ત્યારે પથ્થરો પર બાઝેલા ખારાં ટીપાં એ પથ્થરોના આંસુ છે. શાયર ‘બેફામ’નો એક શેર છે,
પથ્થરોની આ દશા કેવી દયાને પાત્ર છે,
કે ઉછીના આંસુ લઈને રડે છે પથ્થરો
પથ્થરોનું આક્રંદ આપણા બધિર કાને અથડાઈને પાછું પથ્થરોમાં જ વિલીન થઈ જાય છે.
ઊગતા સૂર્યની સાક્ષીએ દરિયા કિનારે ફરવું એ પણ એક લ્હાવો છે. મંદ મંદ વાતો પવન, કુમળો તડકો તનમનને અનોખી તાજગી બક્ષે છે. શાંત પાણીનું વ્હેણ ધીમા સૂરનું વહન કરતું હોય, એવું લાગ્યા વિના નથી રહેતું. કવિ ન્હાનાલાલ કહે છે,
સાગર સખે, મુજ કાનમાં એવું કઈ તો ગા
જીવવું મીઠું લાગે મને એવું કઈ તો ગા
મધ્યાને તપતી રેતીમાં સહેજ દાઝેલા ચરણને શીતળતા આપે છે, દરિયાના મોજાઓ, ત્યારે કવિ બાલમુકુન્દ દવેની પંક્તિનું સ્મરણ થાય છે,
કોઈ બુંદે પોઢયું ગગન, કોઈ બુંદે ઓઢી અગન
કોઈ મગન મસ્ત મતવાલું મરમી મંદ મંદ મલકાય
સમદર સભર સભર લહરાય
અસ્તાચળે જતાં રવિને, રત્નાકર જ્યારે પોતાનામાં સમાવી લે છે, ત્યારે ક્ષિતિજનું એ લાલાશ ભર્યા સૌંદર્યનો આંખે લીધેલો સ્નેપશોટ, મનની ગેલેરીમાં કાયમ માટે અંકિત થઈ જાય છે. વેણીભાઈ પુરોહિતના શબ્દો સાર્થક થતાં લાગે છે, સાંજ તો શોખીન ને સમજુની છે.
રાત્રીના નીરવ એકાંતમાં સાગરનો ધીમો ઘૂઘવાટ કર્ણપ્રિય લાગે છે. નિશાનું શ્યામલ આભ પણ પોતાની પ્રસન્નતા તારલાના ટમકારે વ્યક્ત કરે છે. આભને ઝૂકી ઝૂકી દરિયાને આલિંગન આપવું છે, તો દરિયો પણ ઊછળી ઊછળીને આભનો ભૂરો સ્પર્ષ પામવાના વ્યર્થ પ્રયત્નો કરે છે. સ્વપ્ન ભંગની ઘટના વિષાદના વમળો ઉત્પન્ન કરે છે.
પૂર્ણિમાનો ચંદ્ર જ્યારે સોળે કળાએ ખીલ્યો હોય, ત્યારે તો દરિયાના પાણી પર તેનું પ્રતિબિંબ અદભુત સૌંદર્યની ચરમ સીમા તરફ દોરે છે. કવિ કાન્તનું પ્રસિધ્ધ કાવ્ય કેમ ભૂલાય?
આજ મહારાજ જલ પર ઉદય જોઈને
ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે
સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે
પિતા કાલના સર્વ સંતાપ શામે.
સાગરનું સૌંદર્ય પામવા માટે શુધ્ધ મન તથા હૃદયમાં શુભ્રતા હોવી જરૂરી છે. આપણી ભીતર પણ પ્રેમનો દરિયો સતત ઊછળે એવા લાગણીના જળ વહેતા રહેવા જોઈએ. કોક શિશુની આંખમાં વિસ્મયનો દરિયો દેખાય છે, તો કોઈ મુગ્ધાના હૈયામાં અભિસારના ઉમંગનો સાગર છલકતો જોવા મળે છે. કોક ખોબામાં સમાય છે દરિયો, આમ ભલે ને દૂર હોવા છતાં સમીપ હોવાનો અહેસાસ કરાવે છે દરિયો. આમ માનવીના જીવન સાથે સંકળાયો છે સાગર અને તેનું સૌંદર્ય. આંખમાં સુંદરતા હશે તો જ પ્રકૃતિના એક એક તત્વનું સૌંદર્ય માણી શકાશે.
Comments