સુધીર દેસાઈ એક મિલનસાર વ્યક્તિત્વ
- NITIN MEHTA
- Jun 5, 2021
- 2 min read

કવિ લેખક શ્રી સુધીર દેસાઈના અવસાનના માચાર જાણી અત્યંત દુખ થયું. સાથે જ એમની સંગાથે ગાળેલી કેટલીક મધુર સ્મૃતિઓ ઉજાગર થઈ. તેમના મિલનસાર સ્વભાવનો મને મારી મુગ્ધાવસ્થામાં જ પ્રેરક અનુભવ થયો. હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી માનું છું, કે મને તેમના સાથ હૂંફ અને માર્ગદર્શન મળ્યા. તેઓ મારા કોલેજકાળથી જ મારી સર્જન યાત્રાના સાક્ષી રહ્યા છે. સુધીર ભાઈ અને તારિણી બહેન બન્નેના નામ ગુજરાતી સાહિત્યમાં ઝળહળ થયા છે. આ દંપતીએ પોતપોતાની રીતે કલમને સજાવી છે.
કોલેજમાં યોજાએલ મારા કાવ્ય પઠનના એક કાર્યક્રમમાં સુધીર ભાઈ સજોડે ઉપસ્થિત હતા. નિર્ણાયક તરીકે તેમણે મને ઈનામ તો આપ્યું સાથે યોગ્ય માર્ગદર્શન પણ કર્યું. આજે પચાસ વર્ષ પછી પણ તેમણે ઉચ્ચારેલા એ શબ્દો, મારા કાનમાં ગૂંજે છે “ હું તારી કવિતાનો સદા સાક્ષી રહેવા માગું છું, માટે તારે લખતા રહેવું એ મારી તને સલાહ છે.”
કોલેજના એ દિવસો પૂરા થયા પછી પણ સુધીર ભાઈને અવારનવાર મળવાનું થતું. વોર્ડનરોડ સ્થિત તેમના ઘરે મે તેમની પ્રેમાળ આગતા સ્વાગતા માણી છે. એ દિવસોમાં સુધીર ભાઈ “ક્યારેક” નામે એક દ્વિમાસિક ચલાવતા, જેમાં અમારા જેવા નવોદિતોના કાવ્યો પ્રગટ થતાં અને યોગ્ય ફેરફારની સૂચનાઓ પણ આપતા. ક્યારેકના ઉપક્રમે દર માસના પ્રથમ શનિવારે મીઠીબાઈ કોલેજના સ્ટાફ રૂમમાં તેઓ એક બેઠકનું આયોજન કરતાં, જેમાં અનેક કવિઓ લેખકો ભાગ લેતા. આ જ બેઠકને કારણે હું કવિ રમેશ પારેખ, અનિલ જોષી તથા અનેક કવિઓના સંપર્કમાં આવ્યો. આ બધા સર્જકોએ પણ મને પ્રોત્સાહિત કર્યો, જેનો યશ હું સુધીર ભાઈને જેટલો આપું તેટલો ઓછો છે.
મુંબઈ સમાચારમાં આવતી તેમની કૉલમ “મનના ગોકુળિયામાં” તેમણે મારા પ્રથમ કાવ્ય સંગ્રહ વિશે લખી મને કૃતકૃત્ય કર્યો, તેને હું ધન્ય ગણું છું. તેઓ મુંબઈ છોડી ગોધરા સ્થાયી થયા પછી અમારે મળવાનું લગભગ બંધ જ હતું, પણ ‘કપોળ સમાજ દર્પણ’ ના ઉપક્રમે તંત્રી નીલાબહેન સંઘવીએ યોજેલ કાર્યક્રમમાં સુધીર ભાઈ અને હું મળ્યા, ત્યારે અમારા બન્નેની આંખો ભીની થઈ ગઈ. આજે તેમના નિધનથી એ ભીનાશ ફરી મને સ્મરણોસહ સ્પર્શી ગઈ.પ્રભુ એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
નીતિન વિ મહેતા
Comments