અનુભવના અક્ષર
- NITIN MEHTA
- Apr 20, 2021
- 2 min read
Updated: Nov 3, 2024
બાળકના જન્મ પછી, જ્યાં સુધી તેનું માનસ પરિપક્વ ન બને ત્યાં સુધી તે બાલ સહજ વૃત્તિઓથી જ ઘેરાએલું હોય છે. કિશોરાવસ્થા, યુવાવસ્થા અને વૃધ્ધાવસ્થામાં પણ આ બાલ માનસ તેની ભીતર ઉજાગર થતું હોય છે. વૃધ્ધવસ્થા દરમિયાન તો તે તેની ચરમ સીમાએ હોય છે. બાળકોને રમતા જોઈ, એવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેને પોતાનું બાળપણ ન સાંભર્યું હોય. કાગળની હોડી, કાપેલો પતંગ, તૂટેલા રમકડાં, પત્તા, લાખોટીઓ, ભમરડા આ બધા સાથે પોતાની શિશુ અવસ્થામાં તો મમત્વ હોય છે, પરંતુ ઉત્તરાવસ્થામાં પણ આ રમતોનું સ્મરણ તેને આનંદિત કરી દે છે.
ત્રીસ વર્ષનો યુવાન હોય કે સીત્તેર વર્ષના વડીલ દરેકના હૃદયમાં એક બાળક રહેલું હોય છે. વૃધ્ધવસ્થામાં તો આ બાળ સહજ માનસ વિષેશ પ્રમાણમાં જોવા મળે છે. માટે જ ઘણા માને છે કે ઘડપણ એ બીજું બાળપણ છે. આમાં કશું ખોટું નથી. માણસ ગમે તેટલો પરિપક્વ હોય, શૈશવ તેનાંમાં શાશ્વત હોય છે.
આપણે ત્યાં ઘડપણ શબ્દ વર્ષોથી બોલાય છે, પણ આજના સમયમાં “વૃધ્ધ’ શબ્દ યોગ્ય છે. વૃધ્ધ થવું એટલે વૃધ્ધિ પામવું. સંસારના મારગે આવતા અનેક વળાંકોને સહજ સ્વીકારી પરિસ્થિતિઓનો સામનો કરતાં આગળ વધવું સભર થવું સફળ થવું એટલે જ વૃધ્ધિ પામવું.પરિવાર પ્રત્યે ફરજ અને જવાબદારીઓ અદા કરતાં વિપત્તિઓનો સામનો કરતાં, દરેક વ્યક્તિના કલ્યાણનો વિચાર કરતાં અને પરિવારને સુખ તથા ખુશીનું પ્રદાન કરી અડીખમ રહેતા વડીલ એટલે ઘરનો મોભ.. વડીલના ચહેરા પરની કરચલીઓ એ બીજું કશું નથી, પણ અનુભવના અક્ષર છે. આપણે તેને ઉકેલવાના છે.
કાયા ભલે કૃષ હોય, વડીલ એ વિધ્યાલય સમાં છે. તેમની ઉપેક્ષા કરવાને બદલે તેમના સંપર્કમાં રહી તેમને ખુશ રાખવાની યુવા પેઢીની ફરજ છે. ઘણા વડીલો એમ કહે છે, “આ ધોળા અમથા નથી થયા.” હકીકત છે કે એ હૃદયની નિર્વ્યાજ શુધ્ધતા છે. કવિ ઉમાશંકરની પંક્તિ છે, “હૃદયની શુભ્રતા ચમકી રહી ધવલ કેશરાશીમાં”
ઘણા વયસકો વૃધ્ધાવસ્થાને સહજ સ્વીકારવાને બદલે હતાશાઓથી ઘેરાએલા હોય છે. માનસશાસ્ત્રના અભ્યાસીઓ કહે છે, કે વૃધ્ધાવસ્થાને પાછળ ઠેલવી હોય તો બાળપણને સતત યાદ કરતાં રહેવું. જૂના સંસ્મરણો વાગોળવા. શરીરથી ભલે હેંસીના હો,મનથી આઠ વર્ષના થઈ જવું. આમ કરવાથી મનમાં ખુશીની લહેરે પ્રસરી જશે.જીવન સંધ્યાનું સૌંદર્ય આપોઆપ ખીલી ઊઠશે.
પોતાના સંતાનો કે સંતાનોના સંતાનો સાથે સંવાદ સાધતાં સ્વના બાળપણના અનેક પ્રસંગો શેર કરવાનો આનંદ પણ અનોખો છે. અન્યથા એકલા હો તો આંખ સામે તમારા એ બાળપણનું ચિત્ર મૂકી તેને નજીકથી નિહાળવાનો લ્હાવો પણ લેવા જેવો છે,સ્મરણો જ ખુદ સંવાદ સાધશે.
પ્રત્યેક વરીષ્ઠ વ્યક્તિએ આ બે પંક્તિઓ જીવનમાં ઉતારી રાખવા જેવી છે,
“ ઉમ્રકા બઢના તો દસ્તૂરે જહાં હૈ,
મહેસુસ ના કરો તો બુઢાપા કહાં હૈ.”
નીતિન વિ મહેતા
Comments