top of page

મુંબઈના વાહનો દ્વારા કરેલા શહેરી પ્રવાસનો સ્મરણીય અનુભવ

Updated: May 7, 2021

મુંબઈ – આ શહેર મારી જન્મભૂમિ, કર્મભૂમિ અને હવે ધર્મભૂમિ છે. મારી રગેરગમાં વસ્યું છે આ મારું મનગમતું શહેર. મારા અંતરમા પ્રત્યેક પળે ખુશીનો માહોલ રચી દે છે આ શહેર. ગઈ કાલનું મુંબઈ મારા સ્મ્રુતિપટમાં અકબંધ છવાએલું છે. વિકાસ લક્ષી પરિવર્તન જોતાં ગઈ કાલ અને આજના મુંબઈની સરખામણી કરું છું, ત્યારે રોમાંચ અનુભવું છું. શૈશવમાં માણેલ મુંબઈની મોજની પ્રત્યેક પળને વાગોળવાનો પણ અનહદ આનંદ છે, એના દરિયાની શીત લહેર આંતર મનને તરબતર કરી દે છે. જ્યારે જ્યારે મુંબઈની બહાર કોઈ અન્ય સ્થળે જવાનું થયું છે, ત્યારે તે સ્થળ સાથે મુંબઈની સરખામણી કરતાં, આ શહેર મને વિશેષ ચડિયાતું લાગ્યું છે.

કવિ રમેશ પારેખે ભલે લખ્યું કે ,“આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં”, પણ આ શહેરે તો મારા મનસુબાને ઉપસાવ્યા છે, મારા સપનાઓને સાકાર કર્યા છે. મુંબઈએ મારા જીવનને એક ચોક્કસ આકાર આપી ઘડ્યું છે. જોમ, જુસ્સો અને છલોછલ આત્મ વિશ્વાસની સોગાત દીધી છે આ શહેરે મને.

આયુષ્યનાં છ દાયકામાં મેં મુંબઈમાં થતા અનેક પરિવર્તનો નિહાળ્યા છે શૈશવથી યુવાવસ્થા કે આજ સુધી આ શહેરનું આકંઠ પાન કર્યું છે મેં. આજે ઉત્તરાવસ્થામાં આ શહેરના અતીતને વાગોળું છું, ત્યારે અંદર બહારથી રોમાંચિત થઈ જાઉં છું.

શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે આવવાં જવા માટે વિવિધ વાહનો નો ઉપયોગ કર્યો છે. પ્રારંભમાં ઘોડાગાડી (વિક્ટોરિયા ) થી માંડી આજના મેટ્રો ટ્રેનમાં મુસાફરી કર્યાનો આનંદ અનેરો, અનોખો અને આહલાદક રહ્યો છે.તે સમયે મોટરો ઓછી હતી શ્રીમંતો જ તેના માલિક હતા મધ્યમ વર્ગ માટે વિક્ટોરિયા જ ઉત્તમ હતી. બાળપણમાં ઘોડાગાડીમાં પ્રવાસ કર્યાનો આનંદ અદભુત હતો, તેની યાદો ક્યારે ય નહીં ભૂંસાય

ડામરની સ્વચ્છ સડકો પર વચ્ચે સમાંતરે ગોઠવાએલા પાટા ઉપર ટ્રામ, ધીમી ગતિએ દોડતી હોય તેનો કર્કશ અવાજ પણ કાનને ગમતો. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ ટ્રામ આશીર્વાદ હતી. “બેસ્ટ”ના સંચાલન હેઠળ ચાલતી ટ્રામ ૧૯૬૦ પછી મુંબઈના રસ્તા ઉપરથી અદ્રશ્ય થઈ ગઈ. આજની પેઢીને તો આ વાહનોની વાતો દંતકથા જ લાગે.આજે હયાત વરિષ્ઠ નાગરિકોના મનમાં આ ટ્રામની હકીકત અવશ્ય અંકિત થઈ હશે.

મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનમાં ત્યારે આજના જેટલી ભીડ ન હતી. શાહેરના હાર્દ સમા ફ્લોરા ફાઉન્ટન, નરી માન પોઈંટ જેવા વિસ્તારમાં અનેક સરકારી ને ખાનગી કંપનીઓનાં મુખ્ય કાર્યાલયો હતા, જ્યાં નોકરી ધંધાર્થે લોકો દૂર પરાંમાથી આવતા, જે દ્રશ્ય આજે પણ જોવા મળે છે ને ભવિષ્યમાં ય રહેશે. ફાસ્ટ ટ્રેન પકડવા માટે લોકોની જે દોડાદોડી થાય છે, તે મુંબઈનું ફાસ્ટ લાઈફનું ચિત્રીકરણ છે..

પરિવર્તન આવકાર્ય છે સાથે આવશ્યક પણ છે એમ મુંબઈની સડકો પર બસો દોડતી થઈ. શરૂઆતમાં ડબલ ડેકર બસો હતી જેમાં ઉપરના માળે બેસી શહેરનું સૌન્દર્ય માણવાનો અપ્રતિમ લ્હાવો હતો. સ્થળ પ્રમાણે તેની ઓળખ એ રૂટ પી રૂટ તરીકે હતી. આ માળવાળી બસો પણ કાળક્રમે ઓછી થઈ, તેના સ્થાને સિંગલ ડેકર બસો આવી જે તળ મુંબઈથી દૂર દૂરના પરાં સુધી આજે પણ દોડે છે. એરિયા પ્રમાણે નમ્બરથી ઓળખાય છે. પ્રવાસીઓની સુવિધા માટે આ બસોની સંખ્યા વધતી જાય છે. રેલ્વેની માફક બસ પણ આ શહેરનું આગવું આકર્ષણ છે. વરિષ્ટ નાગરિક, દિવ્યાંગ ને સભર્ગા મહિલાઓ માટે “બેસ્ટ” જે સગવડતાઓ પૂરી પાડે છે, તે અત્યંત પ્રશંસનીય છે.

એકવીસમી સદીનું અનુપમ આકર્ષણ એટલે આ શહેરને મળી મેટ્રોની સોગાત. વર્સોવા અને ઘાટકોપર વચ્ચે દોડતી આ ટ્રેને પણ પ્રવાસીઓને રાહત આપી છે. ખાનગી વાહનો, ટેકસી રિક્ષાની સંખ્યા વધવાને લીધે ગીચતા દૂર નથી થતી. ટ્રાફિકની સમસ્યા એમની એમ જ છે અને કાયમ રહેશે. ઉત્તરોત્તર આ શહેરની વસ્તીમાં વધારો થતો રહે છે, કારણ કે મુંબઈ કોઈને ભૂખ્યા સુવાડતું નથી. અનેક મુશ્કેલીઓ અને સંકડાશોનો સામનો કરતાં મુંબઈગરો ખુશ રહે છે પછી ભલે ને મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી હોય.

ઘોડાગાડીથી મેટ્રો સુધીના વાહનોનો જે મેં અનુભવ કર્યો છે, તેનું મીઠું સંભારણું સ્મૃતિપટ પર હંમેશ રહેશે. આ શહેરમાં થએલા વિકાસનો હું સાક્ષી રહ્યો છું, તેનો સવિશેષ આનંદ છે.

આ શહેરમાં મન પાંચમનો મેળો ભરાતો જાય છે. સૌ આવતા રહે છે અહીં પોતપોતાના સપનાઓ લઈ, મુઠ્ઠીભર્યા અરમાનો સાથે, આ શહેર પાસેથી કશુંક મેળવવાની આશાએ, કારણ કે બધા જાણે છે મુંબઈ, કોઈને ક્યારે ય નિરાશ નથી કરતું.


નીતિન વિ મહેતા.


Comments


CONTACT

US

NITIN MEHTA

Mob No. 9821617327

E-mail ID - mehtanitin.43@gmail.com

MUMBAI, INDIA 

TELL

US

Thanks for submitting!

bottom of page