top of page

મ્રુત્યુને પ્રશ્ન

હું, મારી સભર એકલતા સાથે ચાર દીવાલોની વચ્ચે બંધ બારણે બેઠો છું. બંધ બારીની તિરાડમાંથી આવતી હવાની લ્હેરખી મને આહલાદક અનુભુતિ કરાવે છે. આ નીરવ એકાંતમાં હું મારી જાત સાથે સંવાદિતા સાધવાના અથાગ પ્રયત્નોમાં વ્યસ્ત છું. મળી ગયું છે મને મારું ગમતું એકાંત જેને મન મૂકીને માણવા દે, પણ તું તો બંધ બારણાની બહાર મારા પ્રાંગણમાં અડ્ડો જમાવી, બેઠું છે ને ટકોરા પર ટકોરા માર્યા કરે છે. તારે તો હેતુ સાધવો છે અંદર પ્રવેશી મારા દેહને નિષ્પ્રાણ કરવાનો, પણ તારા આ કાર્યને હું આજે તો સફળ નહીં જ થવા દઉં.

તું ગમે તેટલા ટકોરા મારીશ પણ હું બારણા નહીં જ ઉઘાડું. મારા આ અવિભાજ્ય એકાંતમાં મારા સિવાય અન્ય કોઈને સ્થાન નથી. હું મારા નિર્ણયમાં મક્કમ છું. કદાચ મને જો તારી દયા આવશે તો સહેજ બારી ખોલી એકાદ ક્ષણ પૂરતું ઔપચારિક સ્મિત આપીશ, કિંતુ આવકારો તો નહીં જ આપું. ઘણી યે વખત એવું લાગે છે કે તું તારી ફરજ બજાવવામાં બહુ ઉતાવળ કરે છે પરિણામે તિરસ્કાર પૂર્વક ક્રોધાવેશમાં તને ઉપાલંભ અપાઈ જાય છે. તારી ફરજનો હું આદર કરું છું પરંતુ મારે ય મારી ફરજ બજાવવાની છે. મારા જીવનને સમ્રુધ્ધ કરવા માટે મારે જરૂરી સર્વ અધિકારો ભોગવવાના છે. આ બાબત હું તને અધિકાર પૂર્વક જણાવું છું.

પૂર્ણ એકાંતને પળેપળ માણી મારે ટોળામાં ભળી જવું છે ટોળામાં પણ મારા ચહેરાને ઓળખવામાં તું થાપ ખાઈ જાય તો નવાઈ નહીં. બંધ બારણે મને આવેલા રચનાત્મક વિચારોનો ટોળામાં જઈ અમલ કરવો છે. બંધ આંખે પ્રવેશેલા સપનાઓને મારે ઉઘાડી આંખે સાકાર કરવા છે.

જોજનો સુધી પથરાએલી માટીની મ્હેંકને મારા શ્વાસમાં ઝીલવી છે. આ વિશાળ પ્રુથ્વીના પટ ઉપર, મારા સમગ્ર અસ્તિત્વને પાથરવું છે. શાશ્વત પ્રેમની સોગાત આપવી છે. ઊર્મિતંત્રમાં ચેતનાનો સંચાર કરવો છે. મારા હ્રદયને છલોછલ થવાનું હજી બાકી છે. સમ્યક દૃષ્ટિ દ્વારા રમણીય દૃશ્યોને આત્મસાત કરવા છે. લીલાંછ્મ ઘાસના મેદાનમાં પથરાએલી ઝાકળનું પ્રુથકરણ કરવું છે મારે મારા નહીં ટપકેલા આંસુ વડે. આળોટવું છે મારે આ ધરતીની ધૂળમાં અને ઓગળવું છે અવરના આંતરમનમાં. જીજીવિશાનું શૈશવ તો હજી પગલી પાડી રહ્યું છે મારી ભીતર.

ભીની હથેળી પરથી પ્રત્યેક પળ સરી જાય તે પહેલાં કશુંક નક્કર પરિણામ લાવવું છે. નિ:સ્વાર્થ સેવાની મારી ભાતિગળ ભાવનાને તું ઠેસ ન પહોંચાડ. અણુ અણુમાં જે કંઈ અદૃશ્ય છે તેનું રહસ્ય ઉકેલવા દે મારી રીતે. જે સ્થાને શુન્યાવકાશ વ્યાપી ગયો છે તેને ચેતનવંતુ કરવા દે. મારી અલ્પતાને પૂર્ણતામાં પરિવર્તિત કરવા દે. ભલે ને પ્રગાઢ દુ:ખો ને ક્ષણિક સુખોથી સભર હોય તો ય આ જિંદગી ઈશ્વરે બક્ષેલી અમૂલ્ય ભેટ છે, એમ હું માનું છું. હું ચાહું છું આ જિંદગીના જૂજવાં રૂપોને. આશાનો અંશ મારા અંતિમ શ્વાસ સુધી છલકતો રહે એ જ ઝંખના છે મને.

તારી સાથે હું કઠોર વર્તન નહીં કરું, કારણકે મને અભિપ્રેત છે કે તું તારી ફરજ બજાવીને જ જંપીશ. આપણે બંન્ને એક્મેકના પ્રતિસ્પર્ધિ છઈએ તું અદૃશ્ય છે, પણ હું સ્વયમ પૂરાવો છું મારી હયાતીનો. તને મ્હાત કરવા મારી પાસે દૃઢ મનોબળ, ચિરંતન આશ તથા ભરપૂર આત્મવિશ્વાસ જેવા ધારદાર શસ્ત્રો છે. એથી ય વિશેષ “સ્વ” માં શ્રધ્ધા એ મારી રણનીતિ છે.

મને લીધા વિના તું ખાલી હાથે પાછો જાય એ જોવાના મારા આનંદને હું ઉત્સવમાં ફેરવી લઈશ. મારી જીત કરતાં તને પરાજિત કર્યાની પળને હું, પૂર્ણ પણે માણી લઈશ. કાલે ફરી તું આવ અને તારો હેતુ સાર્થક કર, પણ આજના મારા આ વિજયની નિશાનીને સનાતન કરવા દે.

કાલે મારા આ અસ્તિત્વને, હું તને સ્વેચ્છાએ સોંપી દઈશ. મારા વિજયની સ્મ્રુતિઓ વાગોળતા, હું સ્વયમ, પૂર્ણપણે તારામાં ભળી જઈશ, તે પૂર્વે, તને મ્હાત કર્યાની ક્ષણને, ચિરસ્મરણીય બનાવી દઈશ, જે માનવમાત્રને પ્રેરણારૂપ બની રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મ્રુત્યુ હે, તને રાહ જોવડાવી તને હરાવી દેવાનું મારી માફક અનેકને આવડી જશે તો તું શું કરીશ ?

નીતિન. વિ. મહેતા.

Comments


CONTACT

US

NITIN MEHTA

Mob No. 9821617327

E-mail ID - mehtanitin.43@gmail.com

MUMBAI, INDIA 

TELL

US

Thanks for submitting!

bottom of page